સરદાર વલ્લભભાઈ પટેલ (લોખંડી પુરુષ) ભાગ: ૨

200px Gandhi Patel and Maulana Azad Sept 1940 - સરદાર વલ્લભભાઈ પટેલ (લોખંડી પુરુષ) ભાગ: ૨
ભારત છોડો આંદોલન

ભારત છોડો આંદોલન એ ગાંધી દ્વારા સૂચવવામાં આવેલ એક પૂર્ણ કક્ષાનું અસહકાર આંદોલન હતું કે જેના દ્વારા દબાણપૂર્વક બ્રિટિશ શાસને ભારત છોડવાનું હતું. શરૂઆતમાં પંડિત નહેરુ, સી. રાજગોપાલાચારી, મૌલાના આઝાદ વગેરે એ આ દરખાસ્તની ટીકા કરી હતી, પરંતુ સરદાર પટેલ તેના પ્રખર ટેકેદાર બન્યા હતા. પટેલનો એવો દ્રષ્ટિકોણ હતો કે એક પૂર્ણકક્ષા નો ખૂલ્લો બળવો ભારતના લોકોમાં વેગપૂર્વક વિદ્યુત સંચાર ઉભો કરી તેમને ઉત્તેજિત કરશે જેના દ્વારા બ્રિટિશ શાસનને દબાણપૂર્વક કબૂલ કરવું પડશે કે હવે તેમના સંસ્થાનવાદી શાસનને ભારતમાં ટેકો અને સમર્થન મળશે નહિ તથા અહીં હવે તેમણે ભારતીયોને સત્તા સોંપવાનું કામ ઝડપથી ચાલુ કરી દેવું જોઈએ. ગાંધીએ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતી ઉપર બળવાને સ્વીકૃતી આપવા દબાણ કર્યુ કે જેના પરીણામે સમિતીએ છેવટે ૭મી ઓગસ્ટ ૧૯૪૨માં અસહકાર ચળવળને મંજુરી આપી હતી. પોતાની તબીયત કથળી હોવા છતાં સરદારે ભારતભરમાં મોટા જન સમુદાયોને સંબોધીને કર નહી ભરીને અસહકાર ચળવળમાં સામેલ થવા તથા મોટાપાયે ધરણા આયોજી સનદી સેવાઓને ઠપ કરવા કહ્યું હતું. પટેલે મુંબઈ સ્થિત ગોવાળીયા ટેંક મેદાનમાં ૧૦૦૦૦૦ લોકોની સામે ભાષણ પણ આપ્યું હતું.૯ મી ઓગસ્ટે સરદારની ધરપકડ કરવામાં આવી અને તેમને સંપુર્ણ કોંગ્રસ કાર્યકરી સમિતીની સાથે ૧૯૪૨થી ૧૯૪૫ સુધી અહમદનગર કિલ્લાના કારવાસમાં બંદી તરીકે રાખવામાં આવ્યા હતા. ભારત છોડો આંદોલન ૧૮૫૭ ના બળવા બાદ સૌથી ગંભીર બળવો હતો. આ બળવાની અસર એટલી જબરદસ્ત હતી કે વર્ષ ૧૯૪૫માં જ્ચારે સરદારને મુક્ત કરવામા આવ્યા ત્યારે અંગ્રેજો ભારતીયોને સત્તા સોંપવાના પ્રસ્તાવ ઉપર કામ કરી રહ્યા હતા.

1947 nai photo 84 sardar patel taking oath deputy prime - સરદાર વલ્લભભાઈ પટેલ (લોખંડી પુરુષ) ભાગ: ૨
સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું સ્વપ્ન સાકાર

૧૯૪૭ ની શરૂઆતમાં બ્રિટીશ પ્રધાનમંત્રી ક્લિમેન્ટ એટ્લીએ જાહેરાત કરી હતી કે બ્રિટન ભારત છોડશે. તે એક ઐતિહાસિક ક્ષણ હતી. ફેબ્રુઆરી ૧૯૪૭માં હાઉસ ઓફ કોમન્સમાં આપેલા એક નિવેદનમાં એટ્લીએ જણાવ્યું હતું કે મેજેસ્ટી સરકાર જૂન ૧૯૪૮ સુધી ભારતીય હાથમાં સત્તા હસ્તાંતરણ કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે. લોર્ડ વેવેલની જગ્યાએ નવા વાઇસરોય તરીકે લોર્ડ માઉન્ટબેટનની નિમણૂક પણ કરવામાં આવી હતી. જૂન ૧૯૪૭ માં નિવેદન આપતા લોર્ડ માઉન્ટબેટને સત્તા હસ્તાંતરણ કરવાની તારીખ જૂન ૧૯૪૮ થી આગળ કરીને ઓગસ્ટ ૧૯૪૭ કરી હતી. 

પટેલ અને અન્ય ઘણાં લોકો જેઓએ સ્વતંત્રતા મેળવવાની સુંદર કલ્પના કરી હતી તેઓને માટે આઝાદીનું સ્વપ્ન હવે હાથવેંતમાં જ લાગતું હતું. પરંતુ તેમના પરિશ્રમની એક ભારે કિંમત ચૂકવવી પડી હતી. ભારતનું બે રાષ્ટ્રોમાં વિભાજન થવું અનિવાર્ય હતું જોકે પટેલે શરૂઆતમાં જીન્નાહના પાકિસ્તાનના વિચારને ‘પાગલ સ્વપ્ન’ તરીકે જ જાહેર કર્યું હતું, પરંતુ પાછળથી તેમને જણાયું હતું કે આ સત્ય કડવી ગોળીની જેમ ગળી જવાનું હતું.હૃદયમાં પોષાયેલું આઝાદીનું આ પ્રિય સ્વપ્નન ૭૨ વર્ષની જૈફ ઉંમરે સાકાર થયુ તે સમયે પટેલે આરામ કે નિવૃત્તિ અંગે વિચાર કર્યો ન હતો. એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, ‘આનંદની આ ઘડીએ આપણે ભૂલી જવું ન જોઈએ કે સ્વતંત્રતા પોતાને પગલે પગલે અતિ મહત્વની જવાબદારીઓ અને ઉત્કૃષ્ટ કર્તવ્યો પણ લાવે છે. ‘ખરેખર, આપણી સામે ઘણી બધી પ્રચંડ મુશ્કેલીઓ અને દુર્ગમ અવરોધો છે; પરંતુ આપણે બધાએ તેમના પર પ્રભુત્વ મેળવી તેમાંથી પાર નીકળવાનું છે.’

1948 nai sp 2 press conference new delhi - સરદાર વલ્લભભાઈ પટેલ (લોખંડી પુરુષ) ભાગ: ૨
એકીકરણ

જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં પોતાનો પગપેસારો કરવા માંડયો ત્યારે ભારતીય રાજ્યોના નવાબો અને રાજાઓને વ્યૂહાત્મક સાથીઓ તરીકે જોવામાં આવ્યાં હતા. કંપનીએ આ રાજ્યોના શાસકો પર સંધિ કરવાની ફરજ પાડી હતી જેના દ્વારા કંપનીને સર્વોત્તમ સત્તા તરીકે ઓળખવામાં આવી હતી. પરંતુ ઑગસ્ટ  ૧૯૪૭માં બ્રિટીશને પાછા ખેંચી લેવાથી, આ સર્વોચ્ચતાના અંત આવશે અને આ ભારતીય રાજ્યોના શાસકો ફરી એક વખત મુક્ત થશે. ભારતના કુલ પ્રદેશના બે પંચમાંશ ભાગમાં રજવાડાઓનો સમાવેશ થતો હતો. કેટલાક જેવાં કે હૈદરાબાદ અને કાશ્મીર તો કેટલાક યુરોપીયન દેશો કરતા પણ મોટા હતા. અન્ય કેટલાક તો નજીવી એસ્ટેટ અથવા તો થોડાં નાના ગામડાઓ ધરાવતી નાની જાગીર હતા. બધું મળીને કુલ આવાં ૫૬૫ રાજ્યો હતા કે જેમને ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ની મધરાત પછી ભારત અથવા પાકિસ્તાન સાથે જોડાવા અથવા સ્વતંત્ર રહેવાની તક આપવામાં આવી હતી.

નિયત સમયના અંદાજે બે મહિના પહેલાં, ૨૭મી જૂન, ૧૯૪૭ના રોજ રજવાડાઓના ભારતીય યુનિયન સાથેના જોડાણના કાર્યને સરળ બનાવવા સરદાર પટેલના અધ્યક્ષપણા હેઠળ નવા રાજ્ય મંત્રાલય વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. પટેલે આ વિભાગના સચિવ તરીકે વી.પી. મેનનની પસંદગી કરી. તેઓએ સાથે મળીને ભારતીય રાષ્ટ્રને એકત્ર કરવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું.

બિકાનેર અને બરોડા જેવા કેટલાક રાજ્યો ઝડપથી જોડાઈ ગયા હતા પરંતુ કાશ્મીર અને મણિપુર જેવા અન્ય રાજ્યો મહિનાઓથી સુધી ઢચુંપચું રહ્યાં હતા. કાઠિયાવાડના મધ્ય ભાગમાં આવેલ જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાયું હતું. ત્રાવણકોરે તેની સ્વતંત્રતા જાહેર કરી હતી અને ભારતના હાર્દસમા હૈદરાબાદ કે જે ભારતનું સૌથી ધનવાન ભારતીય રાજ્યોમાંનું એક રાજ્ય હતું તે તો સ્વતંત્ર રાષ્ટ્ર બનવાના સ્વપ્નમાં રાચતું હતું.

સરદાર પટેલને આ અંધાધૂંધી દરમ્યાન સંભવિત આંતરવિગ્રહ થવાના એંધાણ દેખાતા હતા. પાર્ટીશનની હિંસાએ લોકોમાં ભય અને અવિશ્વાસની ઊંડી લાગણી ઊભી કરી હતી. યુવા રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકનારા કોઈ પણ પરિબળને ટાળવા માટે, પટેલે ૭૨ વર્ષની જૈફ વયે આ પડકારજનક કાર્યનું સંચાલન કરવાનો હવાલો સંભાળ્યો. સમયના આટલાં ટૂંકા ગાળામાં આવા વિવિધ વૈવિધ્યસભર માનવ સમુદાયને એક રાષ્ટ્રમાં સંકલિત કરવાનું કાર્ય આખા વિશ્વમાં બીજે ક્યાંય થયું નહી હોય. પરંતુ સરદાર કોઈ પડકારથી હારી જાય તેવા ન હતા.

પટેલ, મેનન અને તેમની ટીમે ધીરજપૂર્વક તથા અવિશ્રાંત મહેનતથી એક એવી પ્રક્રિયા શરૂ કરી કે જેના દ્વારા ૫૬૫ રજવાડાઓ ભારતીય સંઘમાં એકીકૃત થયા. તેઓની ઉત્કૃષ્ટ દૂરંદેશી અને નોંધપાત્ર યોગદાન વગર ભારતની ભૌગોલિક રચના અસુરક્ષિત રીતે અલગ હોત. જે દેશ માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું તે દેશ માટે આ તેમનો સૌથી ચિરસ્થાયી વારસો છે.

sardar - સરદાર વલ્લભભાઈ પટેલ (લોખંડી પુરુષ) ભાગ: ૨
સંધિકાળ

સ્વતંત્રતાના સમયે, પટેલ ૭૨ વર્ષના હતા. રજવાડી રાજ્યોના જોડાણ તથા સંકલનનું કાર્ય તે લે એ પહેલા, તેમની તબિયત બગડવાની શરૂઆત થઈ હતી અને તેમને સંપૂર્ણ આરામ લેવાની સલાહ આપવામાં આવી હતી. તેમ છતાં, મુક્ત ભારતનાં પ્રથમ કેબિનેટના સભ્ય તરીકે, તેમણે આનાકાની વિના ત્રણ મંત્રાલયોની કમાન હાથમાં લીધી- હોમ, સ્ટેટ્સ અને ઇન્ફોર્મેશન. આ ઉપરાંત, તેઓ ભારતનાં નાયબ વડાપ્રધાન પણ હતા. આ સમયગાળા દરમ્યાન, જ્યારે જ્યારે નેહરુ વિદેશમાં પ્રવાસ કરતા ત્યારે, પટેલે વડા પ્રધાન બનવાની જવાબદારી પણ પોતાના ખભે ઉપાડી. જ્યારે રાજ્ય વિભાગના સેક્રેટરી, વી.પી. મેનન, સ્વતંત્રતાના સમયે પટેલને સમજાવતા હતા કે સ્વતંત્રતાના સ્વપ્નને પ્રાપ્ત કર્યા બાદ, તેમને નિવૃત્ત થવું ગમ્યું હોત, પટેલે તેમને કહ્યું કે આ સમય આરામ ફરમાવવાનો કે નિવૃત થવાનો બિલકુલ નથી કારણ કે યુવા રાષ્ટ્રને તેમની સેવાઓની જરૂરીયાત છે. પટેલે પણ મજબુત સ્વતંત્ર ભારતની રચના કરવાના પડકારને પામવા વધતી જતી ઉંમર અને ખરાબ સ્વાસ્થ્યની ચિંતાને કિનારે કરી હતી.

પ્રધાન તરીકેની આ જવાબદારીઓ ઉપરાંત, પટેલ સંસદસભ્ય પણ હતા જે અવિકસિત રાષ્ટ્ર માટે બંધારણીય મુસદ્દાને તૈયાર કરી રહ્યા હતા. આ સંબંધમાં, તે એસેમ્બલીની લઘુમતીઓના પેટા-સમિતિના ચેરમેન હતા અને તેઓ બધા ભારતીયોને એક સમુદાય તરીકે એકત્રિત હોવાનું ઈચ્છતા ભારતના વિવિધ લોકો વચ્ચે અસ્તિત્વમાં રહેલા ઘણા મતભેદોને નાબૂદ કરવા બાબતે સંબંધિત હતા.

રાજ્યો વિભાગના પ્રભારી પ્રધાન તરીકે, પટેલે ૫૬૫ રજવાડી રાજ્યોને એકસાથે લાવવા અને ભારતના સંઘમાં તેમના વહીવટ, તેમની લશ્કરી વ્યવસ્થાઓ અને
પ્રણાલીઓનું સંકલન કરવાના સ્મારકરૂપી કાર્યને બાવડે ઉપાડ્યું. તેમણે રાજાઓ અને નવાબો સાથે મળવા માટે વ્યાપક પ્રવાસ કર્યા હતા, વાટાઘાટા માટે
ડઝનેક બેઠકો યોજી હતી અને સેંકડો પત્રો લખ્યા હતા. જયપુરની આવી એક સફર પર, તેમના વિમાનની એક અકસ્માતથી ભેટ થઇ હતી અને પટેલનો ખુબ
નજીકથી બચાવ થયો હતો.

જાન્યુઆરી ૧૯૪૮માં, તેમના સલાહકાર અને માર્ગદર્શક, ગાંધીનાં મૃત્યુથી પટેલને ખુબ આઘાત લાગ્યો હતો. માર્ચ ૧૯૪૮ માં તેઓ હદયરોગનાં હુમલાનો ભોગ બન્યા હતા. ત્યારબાદ તરત જ ચેતના પાછું મેળવવા પર, પટેલે કહ્યું હતું કે ‘હું મારા બાપુનાં માર્ગે હતો. શા માટે તમે મને રોક્યો?’ જે ગાંધી પ્રત્યેના તેમના ગહન જોડાણને દર્શાવે છે. તે પછી, તેઓ કહેતા સાંભળવા મળ્યા હતા કે ‘ઠીક છે, મને ખબર છે કે બાપુ સાથે જોડાવાનો આખરી બુલાવો આવી રહ્યો છે, પરંતુ દેશ માટે હું જ્યારે કામ કરી શકું છું ત્યારે કામ કરવું જ જોઈએ.’ નવેમ્બર ૧૯૫૦ માં, પટેલ આંતરડાનાં વિકાર અને ઉચ્ચ રક્ત દબાણથી ભારે બીમાર પડ્યા. તેમને વધુ સારવાર માટે બોમ્બે લઇ જવાયા હતા જ્યાં તેમની દીકરી મણીબેને તેમની ખુબ નિષ્ઠાથી સેવા કરી હતી. પરંતુ તેઓ હૃદય ઝાટકાનો ભોગ બન્યા અને ૧૫ મી ડિસેમ્બર, ૧૯૫૦ ના આરંભના કલાકોમાં, ભારતનાં લોહ પુરુષે છેલ્લી વખત તેમની આંખો બંધ કરી. ભારતના રાષ્ટ્રપતિ, રાજેન્દ્ર પ્રસાદ, વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને અન્ય ઘણા નેતાઓ પટેલના અંતિમ સંસ્કાર માટે મુંબઇ ગયા હતા, જ્યાં છ માઇલ લાંબુ સરઘસ ભારતના સૌથી મોટા નેતાઓમાંના એકને અંજલિ આપવાની રાહ જોઈ રહ્યું હતું. અંતિમ વિધિઓ બોમ્બેમાં ક્વીન્સ રોડના સ્મશાનગૃહમાં પટેલના પુત્ર, ડાહ્યાભાઈ દ્વારા કરાયી હતી.

‘વલ્લભભાઈ શું પ્રેરણા, હિંમત, આત્મવિશ્વાસ અને બળ અવતાર હતા! તેમનાં જેવા ફરી આપણને જોવા મળશે નહી.’ સી. રાજગોપાલાચારીએ ભારતનાં લોહ
પુરુષને શોભાસ્પદ શ્રદ્ધાંજલિ આપી હતી. મૌલાના આઝાદે પટેલની બહાદુરીને પહાડો સમાન ઊંચી અને તેમનાં દૃઢનિશ્ચયને પોલાદ જેવું મજબુત કહ્યું હતું.

સરદારની વિશે બોલતા નેહરુએ કહ્યું હતું કે ‘ઈતિહાસ’, ‘તેમને નવા ભારતના ઘડવૈયા અને એકત્રીકરણ કરનારા તરીકે ઓળખશે’.

You cannot copy content of this page